સવારમાં સમાચાર મળ્યા કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ નું અવસાન થઈ ગયું. સામાન્ય જ્ઞાન માટે મેં મારી નવ વર્ષની દીકરી સાથે આ સમાચાર શેર કર્યા. જેથી તેને ભવિષ્યમાં જનરલ નોલેજ માં ભણવામાં આવે તો કામ આવે. આ સાંભળીને ખૂબ જ નિર્દોષતાથી મારી દીકરી એ કહ્યું કે ....માણસો શું કામ મરી જતા હશે... જીવતા જ રહેતા હોય તો શું વાંધો?... આ સવાલ પર ઊંડાણથી વિચાર્યું તો સમજાયું કે.. શું ખરેખર માણસને અમુક ઉંમર પછી પણ જીવવું હોય છે? લગભગ સિત્તેર એંશી વર્ષની આસપાસ પહોંચતા માણસ જાતે જ વિચારે કે બસ હવે ઘણું જીવી લીધું. હવે આ કાયા અને માયા સંકેલી લેવી જોઈએ. ઉંમરનો એક એવો પડાવ આવે છે જ્યારે માણસ પોતે જ જિંદગીથી થાકે છે.
માણસના સાઠ વર્ષ પૂર્ણ થાય, રિટાયર થવાનો સમય આવે, ખાસ કરીને જ્યારે હાથ પગ કામ કરતા બંધ થાય.. કે રોજિંદી જિંદગીમાં પણ કોઈની લાચારી કરવી પડે... ત્યારે માણસ સામેથી મૃત્યુ ઝંખે છે. અમુક ઉંમર પછી બધી મોહમાયા આપોઆપ છૂટી જાય છે. સંતાનો કમાવા માટે ઘરથી દૂર શહેરમાં કે વિદેશમાં રહેતા હોય. બીમારીઓ શરીરમાં ઘર કરી ચૂકી હોય. ઓક્સિજનની બોટલની જેમ દવાઓ પર જીવતા હોય. એવા વૃદ્ધોની સંખ્યા ઓછી નથી. ખાસ કરીને જ્યારે વૃદ્ધ દંપતિ માંથી કોઈ એકનો સાથ છૂટી જાય અને એકલા જીવવાનો વારો આવે ત્યારે જિંદગીનો થાક વર્તાય છે. અને થાકેલો માણસ ચિરનિદ્રામાં સરી પડવા માટે મોત ઝંખે છે.
ખૂબ જ ઓછા પ્રમાણમાં એવા લોકો છે જે પોતાનું વૃદ્ધત્વ માણે છે. જે પોતાના સંતાનો સાથે રહે છે... જેની સંતાનોના બાળકો સાથે મિત્રતા હોય છે એવાં ફિલ્મી દુનિયા ના જેઠાલાલ ના બાપુજી જેવા માણસો વાસ્તવિક જીવનમાં પણ હોય છે. સમાજ તેને નસીબદાર કહે છે પરંતુ આવા નસીબદાર લોકોનું એનાલિસિસ કર્યું ત્યારે સમજાયું કે જેમણે જીવનભર વાણી અને વર્તન પર સંયમ રાખ્યો છે તેનું વૃદ્ધત્વ નસીબમાં પરિણમે છે. હકીકતમાં રિટાયરમેન્ટ પછીનું જીવન જ સારી રીતે જીવવા જેવું હોય છે. બધી જવાબદારીઓથી મુક્ત થઈને માણવા જેવું હોય છે.
ઘણીવાર જીવનમાં લેવાયેલા નાના-મોટા ખોટા નિર્ણયો ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે. માણસ જ્યારે પુખ્ત અવસ્થા માં હોય છે ત્યારે લગભગ બધા નિર્ણયોની જવાબદારી તેમના માથે હોય છે. સંતાનોને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો... સશક્ત હતા ત્યારે સંતાનો સાથેનો વ્યવહાર... બાળકો સાથે કેળવાયેલું લાગણીનું બંધન... બાળકોની સામે માતા પિતા સાથે કરેલું વર્તન... વગેરે પાસાઓ ઢળતી ઉમરે ખૂબ જ અસરકારક નીવડે છે.
શારીરિક અવસ્થાની વાત કરીએ તો.. જ્યારે ધ્યાન રાખવાની ઉંમર હતી... ત્યારે બધું જ અવગણીને શારીરિક કાળજી નથી લઈ શકાતી... અવનવું, મસાલેદાર, ચટાકેદાર, ખાવાના શોખીન જે પોતાના સ્વાસ્થ્યને અવગણે છે..ત્યારે અમુક સમય પછી શરીર બળવો કરે છે. એટલે માણસનું વર્તન મોટાભાગે તેની સારી કે ખરાબ પરિસ્થિતિ ઓ માટે જવાબદાર હોય છે.
લેખિકા:- કોમલ ઠુંમર (ઓજલ)
આ લેખ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવશો.